Pushtikul Satsang Mandal
 Username:   Password:  
Save Password   Forget password?  
click to register
     
 All Forums
  84 Vaishnav Varta
 Varta 3 - Damodardas Sambalvala - Prasang 1
  Printer Friendly Version  
Author Previous Topic Topic Next Topic  
admin
President - Pushtikul.com


422 Posts
Posted - 20 May 2014 :  20:30:46

॥ વાર્તા ૩ – દામોદરદાસ સંભલવાળા ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી સેવક દામોદરદાસ સંભલવાળા ક્ષત્રી, ક્નોજનાવાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ.

ભાવપ્રકાશ :  દામોદરદાસને બાલપણથી વિરહ હતો જે શ્રીઠાકુરજીની પ્રાપ્તિ  ક્યા પ્રકારે થાય ? તે દામોદરદાસ એક સમય પ્રયાગમાં મકરસ્નાન માટે આવ્યા હતા. ત્યાં કૃષ્ણદાસથી મિલાપ થયો. ત્યારે ચર્ચા કરતાં કૃષ્ણદાસ મેઘને કહ્યું જે શ્રી વલ્લભાચાર્યજી પ્રકટ થયાં છે તે દક્ષિણમાં પધાર્યા છે. આપે કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદનું ખંડન કર્યું છે. એમની કૃપાથી નિશ્ર્વય શ્રીઠાકુરજી મળશે. મારે જે ગુરુથી સ્નેહ છે તેનાથી કંઇ કાર્ય સારું થયું નહીં, તેથી હવે હું જ્યાં શ્રીઆચાર્યજી હશે ત્યાં જાઉં છું. આટલું દામોદરદાસને કહીને કૃષ્ણદાસ દક્ષિણ દેશ ગયા.


               જ્યારથી દામોદરદાસની પાસેથી કૃષ્ણદાસ મેઘન શ્રીઆચાર્યજીની પાસે ગયા ત્યારથી દામોદરદાસનો વિરહ ઘણો રહે જે મને શ્રીઆચાર્યજી કેવા પ્રકારે મળશે ?  આ પ્રકારે વિરહ કરતાં મહા મહિનામાં મકર-સ્નાન દામોદરદાસે કર્યું.  મહાસુદ પુનમે દામોદરદાસ જ્યારે મકર-સ્નાન કરતા હતાં તે સમયે તાંબાનો પત્ર ગંગા-યમુનાના સંગમમાંથી દામોદરદાસના હાથમાં આવ્યો. તે દામોદરદાસ ઘરે લાવ્યા. પછી રાત્રિએ જ્યારે દામોદરદાસ સૂતા ત્યારે દામોદરદાસને સ્વપ્ન થયું કે આ પત્ર વાંચે તેની તું શરણે જજે. ત્યારે સવારે ઊઠીને મોટા-મોટા પંડિતો, બ્રાહ્મણો, મલાપુરુષો જેઓ મકર-સ્નાન કરવા પ્રયાગમાં આવ્યા હતા, તે બધાને આ તાંબાનો પત્ર વંચાવ્યો. પરંતુ તેઓ ન વાંચી શક્યા. દામોદરદાસને કાશીમાં શેઠ પુરુષોતત્તમદાસની સાથે વ્યવહાર હતો તેથી તેઓ ત્યાં ગયા અને તેમને સઘળી વાત દામોદરદાસે કહી, જે આ પત્ર શ્રીઆચાર્યજી વાંચશે, બીજા કોઇની સામર્થ્ય નથી. મને કૃષ્ણદાસ મેઘન કહી ગયા છે કે શ્રીઆચાર્યજીનાં શરણથી શ્રીઠાકુરજી મળશે. આ સાંભળીને શેઠ પુરુષોતત્તમદાસને પણ ચટપટી લાગી કે મને ક્યારે શ્રીઆચાર્યજીના દર્શન થાય ? તે શેઠ પુરુષોતત્તમદાસની વાર્તામાં વર્ણન કરીશું. આ પ્રકારે દામોદરદાસ દિવસ ૧૫ કાશી રહ્યા પરંતુ પત્ર કોઇએ ન વાંચ્યો. ત્યારે કનોજમાં પોતાને ઘેર આવ્યા. એમ વિરહ કરતાં કેટલાક મહિનામાં શ્રીમહાપ્રભુજી કનોજ પધાર્યા, અને ગામની બહાર બાગમાં ઊતર્યા.

વાર્તાપ્રસંગ ૧ : જ્યારે શ્રીઆચાર્યજી કનોજ પધાર્યા ત્યારે ત્યાં ગામની બહાર એક બાગ હતો ત્યાં આપ ઊતર્યા અને કૃષ્ણદાસને ગામમાં મોકલ્યો કે સીધુ-સામગ્રી લઇ આવ. પરંતુ કોઇને કહીશ નહીં કે શ્રીઆચાર્યજી આપ પધાર્યા છે.

ભાવપ્રકાશ : આ પ્રમાણે કહ્યું તેનો અભિપ્રાય એ છે કે દામોદરદાસ કૃષ્ણદાસને મળશે અને દામોદરદાસને પહેલાં પોતે જ કહે કે શ્રીઆચાર્યજી પધાર્યા છે, ને ઠીક નહિ, કારણ દામોદરદાસ દ્ધવ્યપાત્ર છે તેથી તેમને બોલવવાની આપશ્રીને અપેક્ષા છે એમ જો કૃષ્ણદાસના મનમાં આવે તો કૃષ્ણદાસનો બગાડ થાય. તેથી રોકી દીધા કે કોઇને કહીશ નહીં. પ્રીતિ હશે તો પોતેજ આવશે. આ અભિપ્રાય જાણવો.

અને બીજો અભિપ્રાય એ છે જે દિવસે શ્રીઆચાર્યજી કનોજ પધાર્યા તેના પહેલાં શ્રીઆચાર્યજી આપને શ્રીઠાકુરજીની આજ્ઞા થઇ હતી કે અહીંના (કનોજના) જીવોને પાવન કરવા છે. તેથી શ્રીઆચાર્યજી આપે વિચાર્યું કે આજ્ઞા થઇ છે તો એની મેળે થશે, તેથી ના કહી.

ત્યારે કૃષ્ણદાસ ગામમાં ગયા, સીધુ-સામગ્રી બધું લીધું. તે બધું લઇને ચાલ્યા ત્યાં દામોદરદાસ રાજદ્ધારથી આવતા હતા. તે માર્ગમાં જ્તાં કૃષ્ણદાસને ઓળખ્યા ત્યારે દામોદરદાસ ઘોડાથી ઊતરીને પાસે આવ્યા અને દંડવત કરીને પૂછયું કે શ્રીઆચાર્યજી મહાપ્રભુ પધાર્યા છે ? ત્યારે કૃષ્ણદાસે વિચાર કર્યો કે શ્રીઆચાર્યજીની આજ્ઞા નથી તેથી કંઇ ઉતર આપ્યો નહીં. ત્યારે દામોદરદાસે વિચાર્યુ, કે શ્રીએઆચાર્યજી વિના એ શા માટે આવે ? જ્યારે કૃષ્ણદાસ ચાલ્યા, ત્યારે દામોદરદાસ તેમની પાછળ પાછળ આવ્યા. ઘોડાને ઘેર મોકલી દીધો.

કૃષ્ણદાસને અને દામોદરદાસને દૂરથી આવતાં શ્રીઆચાર્યજીએ જ્યારે જોયા ત્યારે દામોદરદાસે દંડવત કર્યા તે વખતે કૃષ્ણદાસને શ્રીઆચાર્યજીએ પૂછ્યું, કે તે એને કેમ કહ્યું ? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, મહારાજ ! મેંતો એમને નથી કહ્યું, ત્યારે દામોદરદાસે શ્રીઆચાર્યજીને વિનંતી કરી, જે મહારાજ ! એમણે તો મને નથી કહ્યું, હું તો એમની પાછળ ચાલ્યો આવ્યો છું.
પછી આચાર્યજીએ દામોદરદાસને પૂછ્યું, કે પત્ર મળ્યો છે તે લાવ્યા છો ? ત્યારે દામોદરદાસે વિનંતિ કરી, કે મહારાજ ! પત્રનું શું કાલ છે ? ત્યારે શ્રીઆચાર્યજીએ પોતે કહ્યું, કે તમને આજ્ઞા થઇ છે કે પત્ર વાંચે તેની શરણે જજો, તેથી પત્ર લાવો, ત્યારે પત્ર મંગાવ્યો.

ભાવપ્રકાશ : શ્રીઆચાર્યજીએ કૃષ્ણદાસને કહ્યું, કે તેં એને કેમ કહ્યું ? તેનું કારણ એ કે તેં આજ્ઞા નથી છતાં કહ્યું, એટલે કે અમારું પધારવું તો કહ્યું. ત્યારે દામોદરદાસે કહ્યું એમણે વાત નથી કરી હું એમની પાછળ પાછળ ચાલ્યો આવ્યો છું. આ પ્રકારે દીનતા સિદ્ધ કરી.

અને દામોદરદાસે કહ્યું જે પત્રનું શું કામ છે ? એમ કહી દામોદરદાસે એ બતાવ્યું કે આપ ઇશ્ર્વર છો, મને અનુભવ થયો છે. ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું જે પત્ર લાવો, ભગવદ્-આજ્ઞા હોય તેમજ કરવું.

પછી શ્રીઆચાર્યજીએ પત્ર મંગાવ્યો હતો તે વાંચ્યો અને તેનો અભિપ્રાય દામોદરદાસને કહ્યો. પછી દામોદરદાસને નામ સંભળાવ્યું. પછી આચાર્યજીને દામોદરદાસે પોતાને ઘેર પધારાવ્યા. દામોદરદાસની સ્ત્રી પણ શરણે આવી. ત્યારે દામોદરદાસને અને તેમની સ્ત્રીને સમર્પણ કરાવ્યું. એક લુંડી દૈવી જીવ હતી તે પણ શરણે આવી.

પછી દામોદરદાસે વિનંતિ કરી, હે મહારાજ ! હવે શી આજ્ઞા છે ? હવે અમે શું કરીએ ? ત્યારે શ્રીઆચાર્યજીએ શ્રીમુખથી આજ્ઞા કરી, કે હવે તમે સેવા કરો. ત્યારે દામોદરદાસે કહ્યું, કે મહારાજ ! સેવા ક્યા પ્રકારે કરું ? ત્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું, કે કોઇ જગ્યાએ શ્રીઠાકુરજીનું સ્વરુપ હોય તો જુઓ. પછી એક દરજીને ત્યાં શ્રીઠાકુરજીનું સ્વરુપ હતું તેને દ્ધવ્ય આપીને દામોદરદાસ સ્વરુપ પોતાને ઘેર લઇ આવ્યા. પછી ઘર બધું પોત્યું. પાત્ર બધાં બદલ્યાં. પછી શ્રીઆચાર્યજીએ સ્વરુપને પંચામૃત કરાવ્યું અને શ્રીદ્ધારકાનાથજી નામ ધર્યું.

ભાવપ્રકાશ : શ્રીદ્ધારકાનાથજી નામ એથી ધર્યું કે રાજરીતિથી પ્રથમ સેવાનો વિસ્તાર દામોદરદાસને માથે સોંપ્યો છે.

પછી સિંહાસન ઉપર પાટ બેસાડ્યા. એ રીતે દામોદરદાસના માથે સેવા પધરાવીને પછી શ્રીઆચાર્યજી પોતે રસોઇ કરીને ભોગ સમર્પ્યો. સમયાનુસાર ભોગ સરાવ્યો અને બીડાં સમર્પવા લાગ્યા. ત્યારે જોયું તો પાન લીલાં (કાચાં) છે. તેથી શ્રીઆચાર્યજીએ દામોદરદાસને ખીજીને કહ્યું, લીલાં પાન શ્રીઠાકુરજીને ન સમર્પિએ, પીળાં, પાકેલાં સમર્પિએ ઉત્તમ સામગ્રી હોય તે શ્રીઠાકુરજીને સમર્પિએ શ્રીઠાકુરજી તો ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોક્તા છે, તેથી ઉત્તમ સામગ્રી હોય તે શ્રીઠાકુરજીને સમર્પિએ. તે પછી સ્ત્રી-પુરુષ સુંદર રીતીથી સેવા કરવા લાગ્યા. એ પ્રમાણે શ્રીદ્ધારકાનાથજીની સેવા સુંદર રીતિથી થવા લાગી. પછી શ્રીઆચાર્યજીએ આજ્ઞા કરી કે ઊતરેલું ( વાપરેલું વસ્ત્રનું થાન હોય તેમાંથી વસ્ત્ર શ્રીઠાકુરજીને  ન સમર્પિએ. આખા થાનમાંથી શ્રીઠાકુરજીને માટે વસ્ત્ર લેવું, અને ઉત્તમ સામગ્રી હોય તેમાંથી બીજી જગાએ ન વાપરીએ) તો પછી સ્ત્રી-પુરુષ સુંદર રીતિથી સેવા કરવા લાગ્યા.
અને સેવા સામગ્રી થતી તે સોનાના કટોરામાં અમરસ રાખતા. તે એવી ઉચ્ચતાથી કે બીજા કોઇ ન જાણે કે આમાં કંઇ સામગ્રી ધરી છે. એ રીતથી દામોદરદાસ સેવા કરવા લાગ્યા.

ભાવપ્રકાશ : પછી વસ્ત્રાદિકની રીતિ બતાવી, કે બીજા કાર્યમાં કંઇક લીધું હોય તો તે વસ્તુ શ્રીઠાકુરજીને માટે બધી સામગ્રીમાંથી પ્રથમ લેવું. શ્રીઠાકોરજી માટે લીધેલી સામગ્રીમાંથી બીજી જગે ખર્ચ ન કરવું. એ પ્રકારે પુષ્ટિમાર્ગની રીતિ બધાને બતાવી.

સામગ્રી પીળી સોનાના પત્રમાં મળી જાય અને ઉજ્જવલ સામગ્રી રુપાના પાત્રમાં મળી જાય, આ ગૂઢ ભાવ સૂચવ્યો. સોનાના વિષે શ્રીસ્વામિનીજીના ભાવથી અને રુપાના વિષે શ્રીચંદ્ધાવલીજીના ભાવથી સેવા કરતા.

પછી શ્રીઆચાર્યજી પૃથ્વી પરિક્રમામાં પધાર્યા દામોદરદાસ શ્રીઠાકુરજીનું જલ પોતે ભરતા. પછી એક દિવસ દામોદરદાસના સસરા ઘેર આવીને દામોદરદાસને કહેવા લાગ્યા, કે તમે પોતે જલ ભરીને લાવો છો તે અમને જાતિમાં લજ્જા આવે છે, તેથી તમે જલ ન ભરો, લુંડી પાસે જલ ભરાવો.

ત્યારે દામોદરદાસે વિચાર્યું કે સુરદાસજીએ ગાયું છે કે ‘સૂર ભજન કલિ કેવલકી જે લજ્જા કા’ન નિવારી’ બીજા કીર્તનમાં ગાયું છે’ક’ન કાહુકી મન ધરીયે, વ્રત કાહુકી અનન્ય એક લહીએ હો’ એ વિચારી દામોદરદાસે સ્ત્રીને કહ્યું જે તમે પણ જલ ભરવા ચાલો પછી દામોદરદાસે બીજા દિવસે એક ઘડો તો પોતે લીધો અને એક ઘડો સ્ત્રીના હાથમાં આપ્યો. સ્ત્રી ભગવદીય હતી તેથી બંને જણ ફરી ઘડો અને ગાગર લઇ દામોદરદાસના સસરાની દુકાન આગળથી ચાલ્યા. પછી બંને જણ ફરી એની દુકાનની નીચે થઇને નીકળ્યા. જલ લઇને ઘેર આવ્યા તે પછી દામોદરદાસનો સસરો ત્યાં આવ્યો, તે આવીને દામોદરદાસના પગે પડ્યો, અને કહ્યું જે હું ચૂક્યો, કે તમને કહ્યું.  હવેથી તમે જ જલ ભરો પરંતુ સ્ત્રીજન પાસે જલ ન ભરાવો. આજ પછી અમે કંઇ નહીં કહીએ. પછી પોતે જ જલ ભરવા લાગ્યા. થોડા દિવસ પછી શ્રીઠાકુરજી દામોદરદાસને સાનુભાવ જણાવવા લાગ્યા. જે કંઇ જોઇએ તે દામોદરદાસ પાસેથી માગી લે, વાતો કરે, સેવા કરીને દામોદરદાસે શ્રીઠાકુરજીને એવા પ્રસન્ન કર્યા કે એમની સેવા જોઇને શ્રીઆચાર્યજી બહુ પ્રસન્ન થયા. ત્યારે પોતાના શ્રીમુખથી કહ્યું, કે જેણે રાજા અંબરીષને ન જોયો હોય તે દામોદરદાસને જુઓ. રાજા અંબરીષ તો મર્યાદામાર્ગીય હતા અને આ દામોદરદાસ પુષ્ટિમાર્ગીય છે. એનામાં એટલી અધિકતા છે.

ભાવપ્રકાશ : દામોદરદાસ જલની સેવા શ્રીયમુનાજીના ભાવથી કરતા. તેથી શ્રીઆચાર્યજીએ કહ્યું જે મર્યાદામાં અંબરિષ અને પુષ્ટિમાં દામોદરદાસે રાજ – સેવા કરી એમને ત્યાં તતહેરા ( જલને ગરમ કરવાના હાંડા) રુપાના હતા. અંબરિષની ઉપમા કેમ જાણીએ ? જેમ શ્રીઠાકુરજીના મુખની ઉપમા ચંદ્ધમાની એ રીતે સમજવું. કારણ ક્યાં મર્યાદા ! અને ક્યાં પુષ્ટિ ! કોટીગણું તારતમ્ય જાણવું.

જ્યારે દામોદરદાસના સસરાએ કહ્યું, સ્ત્રીથી જલ ન ભરાવો. ત્યારે દામોદરદાસ કહે, જલ નહીં ભરાવીએ. પછી સસરો ગયો ત્યારે દામોદરદાસે વિચાર્યું કે જગની સેવા સ્ત્રીજનથી કરાવી તે જો હવે હું છોડાવું તો મને સસરાની મર્યાદાનો દોષ લાગે, પરંતુ એકવાર જલ ભરવાનું કહીશ. પ્રીતિ હશે તો સ્ત્રી પોતે જ નહીં છોડે. એમ વિચાર્યું જે એક્વાર પગલું ભર્યું તો સો વાર ભર્યું, લોકો તો જાણી ચૂક્યા છે, હવે હું સેવા કેમ છોડું ? પ્રીતિ હશે તો આ પ્રકારે (વિચારીને) સ્ત્રી જલ ભરશે. અને હું હઠ કરીને ભરાવું તો પ્રીતિ વિના શ્રીઠાકુરજી અંગીકાર નહીં કરે. તેથી એકવાર રોકું તો ખરો. પછી સ્ત્રીને કહે હવે હું જ જલ ભરીશ, તમે ન ભરો. તમારા પિતાને લાજ લાગે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું તમે જ ભરો. આ પ્રકારે પિતાની ‘મર્યાદા’ નો દોષ થયો અને તેથી આગળ ઉપર અન્યાશ્રય થયો.

જો દામોદરદાસ સસરાના આગ્રહ ‘મર્યાદા’થી પોલે થઇને જલની સેવા સ્ત્રી પાસેથી છોડાવતા તો એમને પણ બાધક થાત. તેથી ફરી સેવા કરવા લાગ્યા.

Shri Vallabhadhish ki Jai !!

Anand A. Majethia

President

Jump To:


Set as your default homepage Add favorite Privacy Report A Problem/Issue   © 2014 Pushtikul Satsang Mandal All Rights Reserved. Pushtikul.com Contact Us Go To Top Of Page

loaded in 0.738s