વાર્તાપ્રસંગ ૫ : વળી એક સમયે શ્રીઆચાર્યજીને કૃષ્ણદાસે પ્રશ્ર્ન પૂછયો જે મહારાજ શ્રી ઠાકુરજીને પ્રિય વસ્તુ શી છે ? તેનો પ્રતિઉતર શ્રીઆચાર્યજી કહે છે જે શ્રીઠાકુરજી ઉતમથી ઉતમ વસ્તુના ભોક્તા છે, પરંતુ ગોરસ અતિ પ્રિય છે. ગોરસ શબ્દથી વાણી કહેવાય છે, તેનો ભાવ અનિર્વચનીય છે, અને બધાથી ભક્તનો સ્નેહમય ભાવ અતિપ્રિય છે, તેથી ભક્તવત્સલ કહેવાય છે.
ત્યારે કૃષ્ણદાસે ફરી પૂછયું જે ઠાકુરજીને અપ્રિય વસ્તુ શી છે ? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, શ્રીઠાકુરજીને ધુમાડા સમાન અપ્રિય બીજું નથી. તેનાથી અપ્રિય શ્રીઠાકુરજીને ભક્તનો દ્ધોષી છે.
ફરી કૃષ્ણદાસે પ્રશ્ર્ન પૂછયો, મહારાજ ! રઘુનાથજી સપૂર્ણ સૃષ્ટિ લઇને સ્વધામ પધાર્યા અને રાજા દશરથને સ્વર્ગ દીધું. તે શાથી ? તેનો પ્રતિઉતર શ્રીઆવચાર્યજી કહે છે જે શ્રીરઘુનાથજી તો પરમ દયાલ છે. તેથી સ્વર્ગ દીધું, નહિ તો સ્વર્ગનીયે યોગ્યતા રાજા દશરથને ન હતી કેમ જે પોતાનું વચન સત્ય કરવાને શ્રીરામચંદ્ધજીને વનવાસ મોકલ્યા. એવું કર્મ કર્યું.
ભાવપ્રકાશ : આ પ્રશ્ર્ન હિનાધિકારીનો છે. સાથી જે સાક્ષાત્ પુરુષોતમની લીલાથી મન બહાર કરી આવો પ્રશ્ર્ન શા માટે ? આમાં આ સૂચવ્યું કે કૃષ્ણદાસને હજુ ‘માનસી સા પરા મતા’ એ ફલ નથી થયું, તેથી કૃષ્ણદાસના સમાધાન અર્થે આપે કહ્યું જે રામચંદ્ધજી દયાલ છે.
એ પ્રમાણે કહીને પોતાના માર્ગનો સિદ્ધાંત બતાવ્યો જે પોતાનો હઠધર્મ કરીને ધર્મી જે શ્રીઠાકુરજીનું તેમને શ્રમ કરાવે તો હીન ફલ સ્વર્ગ જ મળે, શ્રીઠાકુરજીનું ફળ ન મળે.
વાર્તાપ્રસંગ ૬ : ફરી એક સમયે શ્રીઆચાર્યને કૃષ્ણદાસે પ્રશ્ર્ન પૂછયો, જે ભક્ત થઇને શ્રીઠાકુરજીની લીલાનો ભેદ નથી જાણતો તે શા માટે ? ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું જે તે જીવ વિધિપૂર્વક સમર્પણ જે રીતે કહ્યું છે તે રીતે કરતો નથી.
વિધિ એટલે સમર્પણ સંબંધી જ્ઞાન, તે નથી. અહંતા-મમતા, પોતાની સતા, અહંકારનું સમર્પથ, જે હવે હું દાસ થયો, પ્રભુને આધીન છું, પ્રભુ કરે તે સર્વોપરી સિદ્ધાંત. વગેરે જ્ઞાન (પોતાનામાં) નથી, અને પોતાની યોગ્યતા માની ભગવદીયનો સંગ નથી કરતો, પોતાની યોગ્યતા માને ત્યારે પ્રભુ અપ્રસન્ન થાય. આ માર્ગ દીનતાનો છે, દેન્ય નથી. ઇત્યાદિ અંતરાયથી પોતાનું સ્વરુપ, ભગવદીનું સ્વરુપ અને શ્રીઠાકુરજીનું સ્વરુપ નથી જાણતો અને ભગવદભકતનો સંગ કરે તો શ્રીઠાકુરજીની લીલાનો ભેદ જાણે પરંતુ તે તો પોતાની યોગ્યતા સમજી કરતો નથી અને જે કંઇ કરે છે તે અંત:કરણપૂર્વક નથી કરતો તેથી શ્રીઠાકુરજીનું સ્વરુપ અને લીલા ભેદ જાણતો નથી.
ઉતમ ભક્તનો સંગ અને શ્રીભાગવત, શ્રીસુબોધિની આદિ ગ્રંથનું અહનિર્શ અવગાહન કરે ત્યારે ભગવદભાવ ઉત્પન્ન થાય. શ્રીઠાકુરજી વ્રજભક્તો વિશે સદૈવ રહે છે ત્યાં સેવા વડે બંધાયા છે. તેથી આ માર્ગના વૈષ્ણવો જેમના હદયમાં શ્રીઠાકુરજી બિરાજે છે તેમનો સંગ કરવો. આ માટે ગજ્જન ધાવન આદિ વૈષ્ણવોનું દષ્ટાંત દીધું. જેણે ભાવપૂર્વક સેવા કરી તેના સકલ મનોરથ સિદ્ધ થયાં છે. તેથી લીલાસ્થ વ્રજભક્તોના ભાવનો વિચાર કરવો.
જે વૈષ્ણવ શ્રીઠાકુરજીનું સ્વરુપ જાણે છે તેમનું સ્વરુપ અલૌકિક દષ્ટિથી જાણ્યું જાય અથવા તો જેને આજ્ઞા થાય તે જાણે જે વૈષ્ણવ શ્રીઠાકુરજીને જાણે છે તે જે કંઇ કાર્ય કરે છે. તે શ્રીઠાકુરજીના માટે કરે છે, અને શ્રીઠાકુરજી પ્રત્યે વિરહતાપ ભાવ કરે છે અને પોતાના દોષનો વિચાર કરે છે. એનો જીવ નિત્ય પોતાના સ્વરુપને વિચારે છે જે હું કોણ છું ? પહેલા શું હતો ? ભગવદ્સંબંધ ક્યાંથી ? હવે હું કોણ થયો ? હવે મને શું કર્તવ્ય છે ? રાત્રિદિવસ એવા વિચાર કરતો રહે ત્યારે પોતાનું સ્વરુપ જાણે. એ પ્રાકટ્ય વ્રજભક્તોના માટે છે, તેથી ઉતમ સંબંધ હોય તો આ માર્ગના ઠાકુરનું સ્વરુપ જાણે. અને શાસ્ત્ર પુરાણ અને અનેક ઇતિહાસ જે છે તેનાથી વ્રજરાજના ઘરે જે પ્રગટ્યા તે સ્વરુપને જાણ્યું ન જાય એ ઠાકુર તો ત્યારે જ જાણ્યા જાય, જ્યારે ભગવદભક્તનો સંગ કરે. સેવાનો પ્રકાર આ માર્ગના વૈષ્ણવો જાણે છે. તેમનાથી મળી ભાવ પૂછીને સેવા કરવી. ત્યારે ભગવદ્ ભાવ ઉત્પન્ન થાય. અને શ્રીઠાકુરજીની લીલાનો બધો ભેદ સમજાય.
વાર્તાપ્રસંગ ૭ : વળી એક સમયે શ્રીઆચાર્યજીએ શ્રીબદ્ધ્રીનાથજીના મંદિરે ચરણ ધર્યા ત્યારે વેદવ્યાસજી સાથે હતા. તે સમયે શ્રીઆચાર્યજીએ વેદવ્યાસજીને પૂછ્યું જે ભ્રમરગીતના અધ્યાયમાં ઉદ્ધવજીને વ્રજ્ભક્ત પાસે મોકલ્યા તે પ્રસંગમાં શ્ર્લોક ઘટે છે. ત્યારે વેદવ્યાસજીએ જે અર્ધો શ્ર્લોક કહ્યો એની ટીકા જે શ્રીઆચાર્યજીએ પહેલાંથી કરી હતી તે સંભળાવી. તે સાંભળીને વેદવ્યાસજી કહે જે તમે ધન્ય છો ત્યારપછી શ્રીઆચાર્યજીને મહાપ્રભુ શ્રીબદ્ધ્રીનાથજીના મંદિરમાં પધાર્યા. તે દિવસે વામનદ્ધાદશી હતી તેથી શ્રીઆચાર્યજીનું વ્રત હતું. ફલાહાર વ્યાસજી ખોળે પરંતુ મળે નહીં ત્યારે શ્રીબદ્ધ્રીનાથજીએ શ્રીઆચાર્યજીને કહ્યું, જે મેં ફલાહારની સર્વ તપાસ કરી પરંતુ મળેલ નથી, તેથી આપ રસોઇ કરીને શ્રીઠાકુરજીને ભોગ સમર્પિને ભોજન કરો ત્યારે શ્રીઆચાર્યજીએ વિચાર્યું જે શ્રીઠાકુરજીની ઇચ્છા એવી જ દેખાય છે. એટ્લામાં કૃષ્ણદાસે આવીને કહ્યું, જે મહારાજ ! અહીં કંઇ ફલાહાર પ્રાપ્ત થતો નથી, ત્યારે વેદવ્યાસજી દ્ધાર શ્રીઠાકુરજીએ કહ્યું, જે સામગ્રી કરીને ભોજન કરે, ‘ઉત્સવાંતે ચ પારણા’ એવું પણ વચન છે તે પછી શ્રીઆચાર્યજી આપે રસોઇ કરીને શ્રીઠાકુરજીને ભોગ સમર્પિત પોતે ભોજન કર્યું.
પછી તે દિવસથી વામનદ્ધાદશીના દિવસે વ્રત ન કરતા. પછી શ્રીબદ્ધ્રીનાથજીથી વિદાય થઇને કૃષ્ણદાસને સાથે લઇને આપ આગળ પધાર્યા.
ભાવપ્રકાશ: ફલાહાર ન મળ્યો તેનું પ્રયોજન એ જે શ્રીઆચાર્યજી ચાહે તો બધું જ મળે. વ્યાસજી અને કૃષ્ણદાસ સરખા ખોળવાવાળા, છતાં ફલાહાર એ માટે ન મળ્યો જે શ્રીઆચાર્યજીના મનના ઉત્સવની સામગ્રીએ કરવી એમ હતું. ઉપરથી મર્યાદા રાખવાને માટે ફલાહારનું કહ્યું તેથી ફલાહાર ન મળ્યો. તેથી વેદવ્યાસજી દ્ધારા શ્રીઠાકુરજીએ કહેવડાવ્યું.
તેથી શ્રીગુસાંઇજીએ સાત લાલજીઓના ઘરમાં, મોટા ઘરે (પ્રથમ પુત્ર શ્રીગિરિધરજીને ત્યાં) આ રીત ઉપવાસની રાખી, અને બીજી જગ્યાએ (છ ઘરમાં) ‘ઉત્સવાંતે ચ પારણા’ શ્રીઠાકુરજી બધી સામગ્રી આરોગે, એ રીત રાખી.
વાર્તાપ્રસંગ ૮ : પછી શ્રીઆચાર્યજી જ્યારે આસુરદવ્યામોહ લીલા કરી ત્યારે કૃષ્ણદાસે પણ વિપ્રયોગ કરી દેહનો ત્યાગ કર્યો.
|| વાર્તા ૨ ||
Shri Vallabhadhish ki Jai !!
Anand A. Majethia
President