|| વાર્તા ૨ - કૃષ્ણદાસ મેઘન ||
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક કૃષ્ણદાસ મેઘન ક્ષત્રી, સોરંજીમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે -
ભાવપ્રકાશ : તે કૃષ્ણદાસ વિશાખા સખીથી પ્રકટ્યા છે. વિશાખાજી શ્રીસ્વામિનીજીની છાયારુપ છે. જેમ શરીરની સંગે લાગી ફરે તેમ વિશાખાજી શ્રીસ્વામિનીજી સંગે રહે છે. તે જ પ્રકારથી કૃષ્ણદાસ પણ આચાર્યજીના સંગે રહે છે. શ્રીકૃષ્ણ્દાસજીમાં ઐશ્ર્વર્યનો આવેશ ઘણો છે, આગળ વાર્તામાં વર્ણન કરેલ છે.
વાર્તાપ્રસંગ ૧ : શ્રીઆચાર્યજી મહાપ્રભુએ પૃથ્વી પરિક્રમા કરી ત્રણે વાર કૃષ્ણદાસ સંગ રહ્યા. પ્રથમ પરિક્રમામાં બદ્રીનારાયણના ‘પરલી’ અને ‘કીરણી’ નામે પર્વતો છે. ત્યાંથી એક મોટી શિલા પડી. તે કૃષ્ણદસ મેઘને હાથથી રોકી રાખી ત્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુ આપ બહુ પ્રસન્ન થયા અને અલૌકિકી ફલ દેતા. પરંતુ પરીક્ષા જોવા માટે આપે કૃષ્ણદસને કહ્યું, જે તું માગ, શું માગે છે ? ત્યારે કૃષ્ણદાસે ત્રણ વસ્તુ માગી : (૧) માર્ગનો સિદ્ધાંત હદયારુઢ થાય, (૨) મુખરતા દોષ જાય, (૩) મારા ગુરુના ઘરે પધારો અને એમનો અંગીકાર કરો. ત્યારે બે વસ્તુ આપી, ગુરુના ઘેર પધારવાની ના કહી. ભાવપ્રકાશ: આ પહેલાંનો ગુરુભાવ જે હદયમાં હતો તે બહાર પ્રકટ્યો. તેથી અલૌકિક દાન શ્રીઆચાર્યજીએ છિપાવી લીધું, બે વસ્તુ આપી, ગુરુની ના કહી તે દૈવી ન હતો દૈવી વિના આ માર્ગમાં અંગીકાર નથી. આ પ્રકારે બે વસ્તુ આપી, પરંતુ બીજાનો ગુરુભાવ રહ્યો તેથી માર્ગનો અનુભવ પણ ન થયો. મુખરતાનો દોષ પણ ન ગયો. પ્રથમ સામર્થ્યથી કંઇક ઘટ્યું.
વાર્તાપ્રસંગ ૨ : પછી શ્રીઆચાર્યજી શ્રીબદ્રીકાશ્રમથી આગળ વ્યાસજીની ગુફામાં પધાર્યા ત્યાં જીવની ગમ્ય નથી, તેથી કૃષ્ણદસને આચાર્યજીએ કહ્યું, જે તું ઊભો રહેજે. પછી જયારે શ્રીઆચાર્યજી ગુફામાં આગળ પધાર્યા ત્યારે વેદવ્યાસજી સામે આવ્યા શ્રીઆચાર્યજીને પધરાવીને પોતાને ધામ લઇ ગયા. પછી વેદવ્યાસજીએ શ્રીઆચાર્યજીને કહ્યું જે તમે શ્રીભાગવતની ટીકા કરી છે તે સંભળાવો. ત્યારે શ્રીઆચાર્યજીએ ‘યુગલ ગીત’ ના અક્યાય્નો ‘વામ બાહુકૃત્ વામ કપોલો’ એ શ્ર્લોક કહ્યો.
આ શ્ર્લોકનું વ્યાખ્યાન કર્યુ તે ત્રણ દિવસે સંપૂર્ણ થયું. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું જે હું આ વ્યાખ્યાનની અવધારણૅ કરી શકતો નથી, તેથી હવે ક્ષમા કરો. પછી શ્રીઆચાર્યજીએ કહ્યું જે તમે વેદાંતના એવા સૂત્રો શું કર્યા જે માયાવાદ પર અર્થ લાગ્યો ? ત્યારે વ્યાસજીએ કહ્યું, જે હું શું કરું ? મને આજ્ઞા જ એવી હતી જે એમ કરજો કે જેમાં બંને અર્થ પ્રાપ્ત થાય ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું, જે અમે તો બ્રહ્મવાદ ઉપર અર્થ કર્યો છે અને તે સંભળાવ્યો. તે સાંભળીને વેદવ્યાસજી બહુ પ્રસન્ન થયા તે પછી વેદવ્યાસજીથી વિદાય થઇને શ્રીઆચાર્યજી ત્રીજા દિવસે પધાર્યા ત્યારે કૃષ્ણ્દાસને તે જ સ્થાને ઉભેલા જોઇ પ્રસન્ન થયા, કહે, ‘તું ક્યારનો ઊભો છે ? ગયો નહિ ? ત્યારે કૃષ્ણદાસે કહ્યું જે મહારાજ ! હું ક્યાં જાઉં ? મને આપના ચરણાવિંદ વિના બીજો કોઇ આશ્રય નથી. ત્યારે આ સાંભળીને શ્રીઆચાર્યજી મહાપ્રભુજી આપ બહુ પ્રસન્ન થયા અને કહ્યું. જે માગ. ત્યારે કૃષ્ણદાસે ફરી તે જ ત્રણ વસ્તુ માંગી. તેમાં બે આપી ગુરુના ઘરની ના કહી.
ભાવપ્રકાશ : બીજી વ્યક્તિનો ગુરુભાવ હતો તેથી પ્રથમથી કંઇક સામથ્ર્ય પણ ઘટ્યું. તેથી વ્યાસજીની ગુફામાં શ્રીઆચાર્યજી કૃષ્ણદાસને સાથે નહિ લઇ ગયા કારણ કે યુગલગીતનો પ્રસંગ કહેવો છે, તેની ધારણા હજુ કૃષ્ણદાસથી નહિ થાય. વ્યાસજીથી પણ ધારણા ન થઇ તે માટે કે વ્યાસજી કલા અવતાર છે, તેથી પુરુષોતમની વાણી ભાવરુપની ધારણા કેવી રીતે થાય ? આ શ્રીભાગવત વ્યાસજીમાં પુરુષોતમ આપ બિરાજીને કહી ગયા. વ્યાસજી દ્ધારા માત્ર છે. તેમને શ્રીભાગવતના રસનો અનુભવ નથી તેનું રહસ્ય હરજીવનદાસે આ પદમાં કહ્યું છે.
જોલો હરિ આપુનપોં ન જનાવે | તોલોં વેદ પુરાન સ્મૃતિ સબ પઢે સુને નહિં આવે ॥ ૧ ॥
સુનિ વિરંચી નારાયણ મુખ સોં, નારદ સોં કહિ દીનો | નારદ કહિ વેદવ્યાસ સોં આપ સોધ નહિ કીનો ॥ ૨ ॥
વેદવ્યાસ ઔષધ કી નાંઇ પહિ તન તાપ નસાયો | તિનતેં પઢે મુનિ સુકદેવા, પરીક્ષિત કોં જુ સુનાયો ॥ ૩ ॥
જદપી નૃપતિ સુનિ વ્રજ લીલા, દસમ કહી સુકદેવા | તઉ સર્વાત્કભાવ ન ઉપજ્યો,તાતેં કરી ન સેવા ॥ ૪ ॥
શ્રીભાગવત અમૃત દધિ મથકેં, શ્રી વલ્લભ સર્વોતમ | કરિ આવરન દરિ નિજ્જન કે, હાથ દિયે પુરુષોતમ ॥ ૫ ॥
સેવા અરુ શ્રુંગાર વિવિધ રસ, શ્રી વલ્લભ પ્રગટાયો | કરી કૃપા નિજ દૈવી જીવન પર ‘હરજીવન’ સ્વાદ ચખાયો ॥ ૬ ॥
વાર્તાપ્રસંગ 3 : પછી એક સમય શ્રીઆચાર્યજી “ગંગાસાગર” પધાર્યા. ત્યાં શ્રીઆચાર્યજી આપ પોઢયા હતા અને કૃષ્ણદાસ ચરણ દાબતા હતા. ત્યારે શ્રીઆચાર્યજીએ આપે મનમાં વિચાર્યું જે ધાનના મુરમુરા હોય તો આરોગીએ ત્યારે આ વાર્તા શ્રીઆચાર્યજીના મનની કૃષ્ણદાસ મઘને જાણી, એટલામાં શ્રીઆચાર્યજીને નિદ્ધા આવી ત્યાં કૃષ્ણદાસ ઊઠીને ‘ગંગાસાગર’ ઉપર આવ્યાં. ત્યાં દેખે તો પાર એક દીવો બળે છે. તેની નિશાનીથી તરીને ગંગાજીની પાર ગયા ત્યાં એક ગામ હતું. ત્યાં ખેતરમાંથી લીલું ધાન કઢાવ્યું. ટકાની જગાએ બે ટકા આપી મુરમુરા સિદ્ધ કરાવ્યાં પછી કૃષ્ણદાસ ગંગાજી તરીને શ્રીઆચાર્યજીની પાસે આવ્યા અને શ્રીઆચાર્યજીના ચરણાવિંદ દાબીને જગાડયા. મુરમુરા આગળ રાખ્યા, અને કહ્યું, જે મહારાજ ! આરોગો, ત્યારે આચાર્યજી મહાપ્રભુએ પૂછ્યું. જે ‘તું ક્યાંથી લાવ્યો ? ત્યારે કૃષ્ણદાસે સર્વ વૃતાંત કહ્યું, ત્યારે શ્રીઆચાર્યજીએ પ્રસન્ન થઇ કહ્યું, જે કંઇ માગ ત્યારે તે જ ત્રણ વસ્તુ માગી ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું, જીવ શું માગી જાણે ? આ સમયે જે માગતો તે દેતો. જો કહેતો તો શ્રીઠાકુરજીનું સ્વરુપ દેખાડતો. (સાક્ષાત્ દર્શન કરાવતો.)
પછી શ્રીઆચાર્યજી આપ સોરો (સોરમજી) પધાર્યા ત્યારે કૃષ્ણદાસે વિનંતી કરીને કહ્યું, જે મારા ગુરુને લઇ આવું ? શ્રીઆચાર્યજીએ કહ્યું જે તું ખેદ પામીશ. પછી કૃષ્ણદાસ એકલા જ ગુરુને ત્યાં ગયા જ્યારે ગુરુએ કૃષ્ણદાસને જોયા ત્યારે કહ્યું જે તે બીજા ગુરુ કર્યા? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, જે મેં તો બીજા ગુરુ નથી કર્યા મારા ગુરુ તો આપ જ છો. પરંતુ તમારા પ્રતાપથી મેં પૂર્ણ પુરુષોતમને મેળવ્યા છે. ત્યારે તેણે કહ્યું જે પૂર્ણ પુરુષોતમ કેમ જાણીએ ? ત્યારે ગુરુની આગળ અગ્નિની અંગીઠી પ્રજ્વલિત હતી તેમાંથી કૃષ્ણદાસે ખોબો ભરીને અંગારા હાથમાં લીધા અને કહ્યું, જે શ્રીઆચાર્યજી મહાપ્રભુ આપ પૂર્ણ પુરુષોતમ હોય તો મારા હાથ ન બળો, અને જો અન્યથા હોય તો હાથ બળીને ભસ્મ થઇ જાઓ. તે એક મુહૂર્ત સુધી અગ્નિ હાથમાં રાખ્યો. ત્યારે તે ગુરુ ડર્યો અને કહ્યું કે નાખી દે પછી તે ગુરુએ કૃષ્ણદાસના હાથ પકડી પોતાના હાથથી અગ્નિ નાખી દીધી, કૃષ્ણદાસ ત્યાંથી ખેદ પામીને ઊઠી આવ્યા.
આ પ્રસંગ બધો ‘વલ્લભાષ્ટકની ટીકામાં શ્રીગોકુલનાથજીએ વિસ્તારપૂર્વક કહ્યો છે.’
ભાવપ્રકાશ : ગંગાસાગરના તીરે પધાર્યા. ત્યાં રાત્રિએ પોઢયા હતા ત્યારે અર્ધરાત્રિએ મુરમુરાની વાત મનમાં આવી. જે ભોગ ધરીએ. તે કૃષ્ણદાસ ઉપર કૃપા કરવાને માટે કેમ જે પુરુષોતમને કોઇ વસ્તુની અપેક્ષા હોય નહીં. કદાચિત જ્યારે જાણ્યું હોય તો કોઇના ઉપર કૃપા કરવા માટે કૃષ્ણદાસે જ્યારે જાણ્યું ત્યારે પોતે તરીને પાર ગયા. અને મુરમુરા લઇ આવ્યા. આ ઇશ્ર્વર કાર્ય છે. જીવથી ન થાય. પછી કૃષ્ણદાસે ચરણ દાબીને આપને જગાવ્યા. ત્યોર શ્રીઆચાર્યજી આપ આરોગીને બહુ પ્રસન્ન થયા. ત્યારે કહ્યું માગ પછી તે જ ત્રણ વસ્તુઓ માગી ત્યારે શ્રીઆચાર્યજી કહે, જીવ શું માગે ? જીવનું માગવું જ બાધક છે. તેથી પરમાનંદદાસે ગાયું છે જે ‘માગે સર્વસ્વ જાતે હે પરમાનંદ ભાખે.’
અને ગુરુનો ભાવ ચિતમાં હતો તેથી મહાપ્રભુજીના વચન ઉપર વિશ્ર્વાસ ન થયો, જે એક્તાર દીધું તે દ્ઢ છે. ફરી શું માંગવું? અને માર્ગની દુર્લભતા બતાવી. શ્રીમહાપ્રભુજીના મનની વાત મુરમુરાની જાણી પરંતુ માર્ગ હદયારુઢતા કૃપાથી જ થાય, દોષનુ સ્વરુપ છે મુખરતાં દોષ. જીવનો સ્વભાવ પણ જીવના હાથ નથી, જ્યારે શ્રીઆચાર્યજી છોડાવે ત્યારે છૂટે તેથી શ્રીઆચાર્યજી વિના બીજામાં ઇશ્ર્વર બુદ્ધિ કરે તેને અંતમાર્ગનું ફલ કોઇ દિવસ સિદ્ધ ન થાય, આ ભાવ જણાવ્યો. પછી કૃષ્ણદાસ ગુરુને ત્યાંથી દુ:ખ પામી અન્યાશ્રમ છોડી મહાપ્રભુ પાસે આવ્યા ત્યારે માર્ગનો સિદ્ધાંત હદયારુઢ થયો, અને મુખરતા દોષ પણ ગયો. એટલે ફરી વખત શ્રીઆચાર્યજી પાસે માગ્યું નહીં. અન્યાશ્રમ એવો બાધક છે.
Shri Vallabhadhish ki Jai !!
Anand A. Majethia
President