|| વાર્તા ૧ – દામોદરરાયદાસ હરસાની ||
વાર્તાપ્રસંગ ૫ : અને એક દિવસ દામોદરદાસના પિતાનો શ્રાદ્ધદિન હતો તે દિવસે શ્રીગુસાંઇજી ત્યાં પધાર્યા. એમના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું. પછી ઉત્થાપનના સમયે દામોદરદાસ દર્શને આવ્યા ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું જે મને શ્રાદ્ધની દક્ષિણા આપો ત્યારે દામોદરદાસે કહ્યું જે દક્ષિણામાં એક વાત કહીશ. પછી સિદ્ધાંતરહસ્યના દોઢ શ્ર્લોકનું વ્યાખ્યાન કહ્યું. ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું કે આગળ કહો, ત્યારે દામોદરદાસે કહ્યું જે એટલો જ સંકલ્પ કર્યો છે. એટલે શ્રીગુસાંઇજીએ ચુપ રહ્યા. પછી દામોદરદાસે માર્ગની પ્રણાલિકા કહી શ્રીભાગવતની ટીકા શ્રીસુધોધની શ્રીઆચાર્ય મહાપ્રભુના ગ્રંથોની ટીકા અને રહસ્ય વાર્તા વગેરે શ્રીગુસાંઇજીની આગળ સર્વ કહ્યું.
તે પછી શ્રીગુસાંઇજી દામોદરદાસને નમસ્કાર કરવા ન દેતા. એથી જે શ્રી ગુસાંઇજી પોતાના મનમાં એમ વિચારે, જે શ્રીઆચાર્યજી મહાપ્રભુ દામોદરદાસના હદય વિષે સદા સર્વદા વસે છે. તો એમને નમસ્કાર કેમ કરવા દઇએ ? તેથી નમસ્કાર ન કરવા દેતા. અને દામોદરદાસને શ્રીગુસાંઇજી પોતાનું ચરણોદક પણ ન દેતા.
પછી શ્રીગુસાંઇજી મહાપ્રભુએ દામોદરદાસને દર્શન આપ્યાં અને આજ્ઞા કરી જે તું શ્રીગુસાંઇજીનું ચરણોદક નિત્ય લેજે ત્યારે પ્રાત:કાલ દામોદરદાસે શ્રીગુસાંઇજીની પાસે આવી ચરણોદક માંગ્યું, ત્યારે શ્રીગુસાંઇજીએ ચરણોદકની ના કહી, ત્યારે દામોદરદાસે શ્રીગુસાંઇજીને કહ્યું જે મને શ્રીઆચાર્યજીની આજ્ઞા થઇ છે. અને શ્રીઆચાર્યજીનાં દર્શન થયાં છે અને કહ્યું છે જે ચરણોદક લેજે ત્યારે શ્રીગુસાંઇજીએ ચરણોદક આપ્યું.
ભાવપ્રકાશ : શ્રાદ્ધ કરવાનો અભિપ્રાય એ છે જે દામોદરદાસના પિતૃઓનો ઉદ્ધાર તો થઇ ચૂક્યો છે કારણ કે ભક્ત છે. મર્યાદામાર્ગમાં નૃસિંહજીએ પ્રહલાદને કહ્યું છે જે એકવીશ (પેઢી) પુરખા ભક્તના તરે તે, દામોદરદાસ તો પુષ્ટિમાર્ગીય છે, તેથી એમના પિતૃઓ તરે એમાં શો સંદેહ છે ? પરંતુ પુષ્ટિમાર્ગના સંબંધ વિના પુષ્ટિમાર્ગમાં અંગીકાર ન થાય. તેથી શ્રીગુસાંઇજીનો સંબંધ શ્રાદ્ધ દ્ધારા પામી પુષ્ટિમાર્ગમાં અંગીકાર થાય. દામોદરદાસના શ્રાદ્ધ કરવાથી પણ પુષ્ટિમાર્ગમાં અંગીકાર થાય, પરંતુ ગુરુની અપેક્ષા છે. ગુરુ વિના દ્ઢ અંગીકાર નહીં. તેથી શ્રીગુસાંઇજીનો સંબંધ કરાવ્યો.
ત્યાં આ સંદેહ થાય જે દામોદરદાસને શ્રાદ્ધ કરાવ્યું તેથી એમના પિતૃઓનો પુષ્ટિનો સંબંધ થયો. બીજા ભગવદીયોએ શ્રાદ્ધ નહીં કરાવ્યું તો એમના પિતૃઓનું શું થશે ? આ સંદેહ હોય ત્યાં કહે છે, જે આ પુષ્ટિમાર્ગીય દેવી જીવોના આધિદૈવિક મૂલભૂત સ્વરુપ દામોદરદાસ છે. જ્યારે એમના પિતૃઓને પુષ્ટિનો સંબંધ થયો એટલે સઘળા પુષ્ટિમાર્ગીઓના પિતૃઓને પુષ્ટિનો સંબંધ થયો. જે પ્રકારે દામોદરદાસના પિતૃઓને પુષ્ટિસંબંધ થયો તે પ્રકારે સંબંધ થયો. મૂલમાં ભક્તિ હોય તો બધામાં ફેલાય. આ પ્રકારે દામોદરદાસની ભક્તિના કારણે જીવોમાં ભક્તિ વધી છે. જીવનું સામથ્ર્ય નથી જે પુષ્ટિમાર્ગની ભક્તિ એક ક્ષણ પણ કરી શકે.
અને દક્ષિણામાં દામોદરદાસે ‘સિદ્ધાંત રહસ્ય’ ના દોઢ શ્ર્લોકનું વ્યાખ્યાન કર્યુ, ત્યારે શ્રીગુસાંઇજી કહે, આગળ કહો. ત્યારે દામોદરદાસે કહ્યું જે મેં તો એટલો જ સંકલ્પ કર્યો છે. તેનું કારણ એ છે જે એટલામાં જ બધો સિદ્ધાંત આવી જાય છે.
શ્રીગુસાંઇજી ચરણોદક દામોદરદાસને ન દેતા. દંડવત કરવા ન દેતા, તે એથી જે તેઓ સ્વામીનીજીની અનન્ય સખી છે. તેથી સ્વામીનીજીને જ દંડવત કરે, તેથી દામોદરદાસે હઠ ન કર્યો, ચરણોદક ન લીધું. પછી શ્રીઆચાર્યજીએ દામોદરદાસને સમજાવ્યા. જે તું શ્રીગુસાંઇજીનું ચરણોદક લેજે. દંડવત કરજે. હું શ્રીગુસાંઇજીના હદયમાં બિરાજું છું, મારું સ્વરુપ છે મારાથી પ્રાકટ્ય છે. ત્યારે દામોદરદાસે શ્રીગુસાંઇજીને આ ભેદ કહ્યા એટલે શ્રીગુસાંઇજીએ પ્રસન્ન થઇને ચરણોદક આપ્યું. કારણ કે શ્રીઆચાર્યજીના ભાવથી લે છે, મારા ભાવથી નહીં.
તેથી જ શ્રીગોપીનાથજી (શ્રીઆચાર્યજીના મોટા પુત્ર) યધપિ શ્રીગુસાંઇજીના મોટા ભાઇ છે, પરંતુ કોઇ વૈષ્ણવે ચરણોદક નહીં લીધું. આ પ્રકારથી શ્રીગુસાંઇજીના સાત બાલક અને શ્રીવલ્લભકુલના ચરણામૃતમાં શ્રીઆચાર્યજીનો ભાવ દેખાડ્યો. તેથી બાલકોનું ચરણોદક લેવું, દંડવત કરવા, એ સિદ્ધાંત બતાવ્યો.
વાર્તાપ્રસંગ ૬ : દામોદરદાસને શ્રીઆચાર્યજી ત્રીજા દિવસે દર્શન આપતા, માર્ગની રહસ્યવાર્તા કહેતા, એવી કૃપા કરતા. અને કવચિત ત્રીજા દિવસે દર્શન ન થતું તો તે દિવસે દામોદરદાસના પેટમાં પીડા બહુ થતી, અત્યંત કષ્ટ પામતા અને પછી દર્શન થતું ત્યારે તત્કાલ કષ્ટ નિવૃત થઇ જતું. એ પ્રકારે કેટ્લાક વર્ષ પર્યંત શ્રીઆચાર્યજીએ દર્શન આપ્યાં. એવી કૃપા કરતા. જે વાત હોય તે બધી દામોદરદાસ શ્રીગુસાંઇજી આગળ કહેતા અને મારગના પ્રકારની વાર્તા અહર્નિશ કરતા. શ્રીગુસાંઇજી દામોદરદાસની ઉપર બહુ કૃપા કરતા અને કહેતા જે દામોદરદાસના હદયમાં શ્રીઆચાર્યજી મહાપ્રભુ સદા બિરાજે છે.
ભાવપ્રકાશ : દામોદરદાસને ત્રીજે દિવસે શ્રીઆચાર્યજી દર્શન દેતા તેનો હેતું એ જ ત્રણ દિવસ પર્યંત દર્શનનો આવેશ રહેતો, તેમાં મગ્ન રહેતા. ત્રીજા દિવસે શરીરની શુદ્ધિ આવતી તેથી વિરહ કષ્ટ થતું. પછી આપશ્રીનાં દર્શન થતાં એટલે સ્વરુપાનંદમાં મગ્ન થઇ જતા.
વાર્તાપ્રસંગ ૭ : પહેલા દામોદરદાસ શ્રીગુસાંઇજીની અડધી ગાદી વાળીને બેસતા. એક દિવસ શ્રીઆચાર્યજી મહાપ્રભુએ આ જોયું ત્યારે શ્રીઆચાર્યજીએ દામોદરદાસને પૂછયું. જે-દમલા ! તું શ્રીગુસાંઇજીને શું કરીને જાણે છે ? ત્યારે દામોદરદાસે કહ્યું, જે મહારાજ ! હું તો એમને આપના પુત્ર કરીને જાણું છું. ત્યારે શ્રીઆચાર્ય મહાપ્રભુએ દામોદરદાસને કહ્યું, જે-જેમ તું મને જાણે છે તેમ એમનું સ્વરુપ જાણજે.
વાર્તાપ્રસંગ ૮ : એક સમય શ્રીગુસાંઇજી બિરાજ્યા હતા ત્યારે દામોદરદાસે કહ્યું, મહારાજ ! આપણો માર્ગ નિસંગતતાનો નથી, રુપ પ્રગટ કર્તા છે, અને કહ્યું, જે એક સમયે શ્રીમહાપ્રભુજી પોઢયા હતા. ત્યારે શ્રીગોવર્ધનનાથજીએ કહ્યું જે જીવોનો ઉદ્ધાર કરો. લીલા કર્તા અવલંબન, શુદ્ધિકર્તા ઉદીપનભાવ, એ પ્રકારે દોઢ શ્ર્લોક કહ્યો.
શ્રીવણસ્યામલે પક્ષે એક દ્શં મહાનિશિ |
સાક્ષાત્ ભગવતા પ્રોક્તં તદક્ષરશં : ઉચ્યતે ॥
બ્રહ્માંસંબંધકરણાત્ સર્વેષાં દેહજીવયો : |
સર્વદોષ નિવૃતિર્હિ.......................
આ દોઢ શ્ર્લોકમાં બધું આવ્યું.
ભાવપ્રકશ : તેનો અભિપ્રાય કહે છે. શ્રાવણ મહિનાના પતિ ભગવાન છે. એક અમલ જે ઉજિયારો પક્ષ ભક્તજનોનો છે. એકાદશીનો દિવસ પ્રભુનો છે. એકાદશી એટલે એકાદશ ઇન્દ્ધિયોની શુદ્ધિ ભક્તિજ્નોને કરાવવા માટે મહાનિશિ જે અર્ધરાત્રિએ રાસલીલામાં સાક્ષાત્ ભગવાન ભક્તો સાથે નિ:શંક થઇ તેમ રહસ્ય વાર્તા કરે છે તે જ પ્રકારે શ્રીઆચાર્યજી સાથે પ્રભુ બોલ્યા, તે સઘળા અક્ષર કહે છે. અહીં સુધી શ્રીઆચાર્યજી ઉપર ભાવ શ્રીગોવર્ધનનાથજી કહે છે, બ્રહ્મસંબંધ બધાને કરાવે, તેથી તેમના સર્વદોષો નિશ્ર્વ્યપૂર્વક દૂર થશે. તેથી દામોદરદાસે શ્રીગુસાંઇજીને કહ્યું, જે ભક્તિમાર્ગના વિસ્તારની આજ્ઞા છે તેમ કરો. અજ્ઞાની જીવો છે. આ બ્રહ્મસંબંધથી જ દોષો જશે. (અંગીકાર કરવાથી) એક શ્ર્લોકમાં ભગવદલીલા અડધા શ્ર્લોકમાં માર્ગની રીતિ બધું એમાં આવ્યું આ પ્રકારે શ્રીગુસાંઇજીને દામોદરદાસે કહ્યું, અને ત્યાર પછી દામોદરદાસની સહાયતાથી આપે ‘શ્રૃંગાર રસમણ્ડન’ ગ્રંથ કર્યો.
વાર્તાપ્રસંગ ૯ : વળી પ્રથમ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ દામોદરદાસને કહ્યું હતું જે આ માર્ગ તારા માટે પ્રકટ કર્યો છે, જ્યાં સુધી શ્રીઆચાર્યજીના આ માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસની પણ માર્ગમાં સ્થિતિ ગોપ્ય રીતે છે.
અને દામોદરદાસે કહ્યું જે મેં શ્રીઠાકુરજીનાં વચન સાંભળ્યાં પરંતુ સમજ્યો નહીં, તે સમયે શ્રીઆચાર્યજીએ કહ્યું જે હજુ દશ જન્મનો અંતરાય છે.
ભાવપ્રકાશ : તેનો હેતુ એ જ્યાં સુધી શ્રીઆચાર્યજીના માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસનું પ્રાકટય ફરી ફરી છે. (ગોપ્ય રીતિથી) કારણ તેઓ માર્ગના સ્તંભ રુપ છે. તેથી શ્રીઆચાર્યજીએ દામોદરદાસના હદયમાં ભગવલ્લીલા સ્થાપી તે સંપૂર્ણ સૃષ્ટિના ઉદ્ધાર નિમિતે સ્થાપી છે. દામોદરદાસના દશ જન્મ સુધી માર્ગની સ્થિતિ છે. જેમ વલ્લભકુળનું પ્રાકટ્ય છે તેવી જ રીતે ભક્તિ દ્ઢ કરવા માટે દામોદરદાસનું પણ અનેક વૈષ્ણવમાં પ્રાકટ્ય છે.
વાર્તાપ્રસંગ ૧૦ : એક સમય શ્રીઆચાર્યજી ‘સુંદર’ શિલાની પાસે (જેને પૂજ્ય શિલા કહે છે, ત્યાં શમીવૃક્ષ નીચે શ્રીઆચાર્યજીની બેઠક છે ત્યાં) દામોદરદાસની ગોદીમાં મસ્તક ધરીને આપ પોઢયા હતા. તે સમયે શ્રીગોવર્ધનનાથજી શ્રીઆચાર્યજીની પાસે પધાર્યા, ત્યારે દામોદરદાસે સાનમાં જ શ્રીગોવર્ધનનાથજીને કહ્યું, જે તમે હમણાં અહીં ન આવો. તમે ચંચલ છો તેથી શ્રી આચાર્યજી જાગી જશે, ત્યારે શ્રીગોવર્ધનનાથજી ઊભા થઇ રહ્યા. એટલામાં શ્રીઆચાર્યજી જાગી ઊઠયા ત્યારે કહ્યું, બાવા ત્યાં કેમ ઊભા રહ્યા છો ? પાસે પધારો. ત્યારે શ્રીગોવર્ધનરામ પાસે આવી શ્રીઆચાર્યજીને કહે જે તમારા સેવકે મને રોક્યો. જે અહીં ન આવો. ત્યારે શ્રીઆચાર્યજી દામોદરદાસ ઉપર ખીજવા લાગ્યા જે તેં શ્રીગોવર્ધનનાથજીને કેમ રોક્યા ? ત્યારે શ્રીગોવર્ધનનાથજીએ કહ્યું જે એને કેમ ખીજો છો ? એણે એનો ધર્મ રાખ્યો, એને એમ જ જોઇએ ત્યારે શ્રીઆચાર્યજી શ્રીગોવર્ધનધરને ગોદીમાં બેસાડી કપોલ પરસ કરી કહે, બાવા કંઇ આજ્ઞા કરો. ત્યારે શ્રીગોવર્ધનધર કહે, મને ગાય બહુ પ્રિય છે. ત્યારે આચાર્યજી સદુપાંડેને બોલાવી પોતાની વેદ કર્મ કરવાની પવિત્ર હતી તે દઇને કહે આનું જે દ્રવ્ય આવે તેમાંથી શ્રીગોવર્ધનનાથજી માટે ગાય લાવી દો. વાર્તા ૧ ॥
Shri Vallabhadhish ki Jai !!
Anand A. Majethia
President